ભવિષ્ય વિજ્ઞાન

તંત્ર વિદ્યા

તંત્રવિદ્યા એટલે શું? તંત્ર એટલે એ નામનું ઉપાસના-સંબંધીનું શાસ્ત્ર. એવો સિદ્ધાંત હતો કે કલીયુગમાં વૈદિક મંત્રો, જપ અને યજ્ઞનું ઇચ્છીત ફળ બહુધા મળતું નથી, પણ આ યુગમાં તમામ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તંત્રશાસ્ત્રમાં વર્ણવેલા મંત્ર તથા ઉપાયોની મદદ મળે છે. આ શાસ્ત્રના સિદ્ધાંત ગુપ્ત રખાય છે. સત્ય સાઈબાબા અને મુક્તાનંદ સ્વામી તેમના ભક્તોથી આ વાત છુપી રાખતા. તંત્રવિદ્યા જાણવા પ્રથમ મનુષ્યે દીક્ષિત થવું પડે છે. તંત્રવિદ્યા કેમ લોકપ્રિય થઈ? મુંબઈના બોલિવૂડના સ્ટારો પણ કેમ તંત્રવિદ્યામાં માનતા થયા? જે જ્ઞાન કેવળ વેદાંત આદિ શાસ્ત્રોમાં અને પંડિતોના મગજમાં કેદ હતું તે જ્ઞાન સરળ, સહજ ભાષામાં સમાજના અશિક્ષિત વર્ગ સુધી ફેલાવવા માટે તંત્રનો આશય રહ્યો છે. તંત્રવિદ્યા કે ગુપ્તજ્ઞાનને જાણનારાને મિસ્ટિક અને તે વિદ્યાને મિસ્ટિસઝિમ કહે છે. મિસ્ટિસિઝમ એટલે શું? અંગ્રેજી પહેલાં ગ્રીક ભાષામાં મિસ્ટીકો શબ્દ આવ્યો. એટલે કે ધર્મનું રહસ્ય પામવાની વિદ્યા. પછી અંગ્રેજીમાં વ્યાખ્યા થઈ કે ઇટ ઇઝ ધ પરસ્યુટ ઓફ કોમ્યુનિયન વીથ આઈડેન્ટિટી વીથ ઓર કોન્સિયસ અવેરનેસ ઓફ ડિવિનિટી, સ્પિરિચ્યુઅલ ટ્રુથ ઓર ગોડ… અથૉત્ અંતે તો રહસ્યવાદ એટલે ઈશ્વરીય તત્વ સાથે તદરૂપ થઈ જવાની ક્રિયા કે જ્ઞાન. અર્થ છે-અધ્યાત્મ વિદ્યા, ગુપ્ત વિદ્યા, અપરીક્ષણજ્ઞાનવાદ અને બ્રહ્ન સાક્ષાત્કારવાદ. આ આખો અર્થ જ બતાવે છે કે તંત્રવિદ્યા કાંઈ માત્ર ધનિક થવા માટેનું તિકડમી જ્ઞાન નથી. ઈશ્વર સાથે ઐકય સાધવાનું અંતિમ ધ્યેય હોવું જોઈએ. આજના યુગમાં પણ આ પ્રાચીન શાસ્ત્ર ઉપયોગી છે.
મુંબઈની શેરબજારમાં હરીફને પછાડવા કે ઉદ્યોગપતિઓના ઝઘડામાં દુશ્મનને હંફાવવા તાંત્રિકોનો ઉપયોગ ૨૪ વર્ષ પહેલાં થતો હતો. મહારાષ્ટ્રમાં એટલે કે મુંબઈમાં પણ તાંત્રિકોની આયાત બંગાળથી કરવી પડેલી. જદુનાથ સરકાર તેના પુસ્તક ‘હાઉસ ઓફ શિવાજી’માં લખે છે કે બંગાળના રાહા ગામે એક સિદ્ધયોગી રહેતા હતા. તેને શિવાજીના સમયમાં મહારાષ્ટ્રના ચિત્તપાવની બ્રાહ્નણ નામે શિવયોગી બંગાળના સિદ્ધયોગી પાસેથી તંત્રવિદ્ધ શીખીને કોંકણ આવ્યા. શ્રૃંગારપુરમાં મઠ સ્થાપ્યો અને તેમણે ઘણા તાંત્રિકોને તાલીમ આપેલી. ભાજપના વિદ્વાન સભ્ય મધુ દેવળેકર અને બીજા સીઆઈડીના મહારાષ્ટ્રીયન બ્રાહ્નણ ઇન્સપેક્ટરે કહેલું કે શ્રૃંગારપુર ગામેથી ઘણા બ્રાહ્નણ યુવાનો મુંબઈ આવીને પોલીસ ઇન્સપેક્ટર બનતા તે તંત્રવિદ્યા થકી ગુનેગારોને પકડતા. શિવાજીનો રાજ્યાભિષેક થયો એ પછી મહારાષ્ટ્ર સાથે ગુજરાતમાં તંત્રવિદ્યા માનીતી થઈ. ત્યાં સુધી બંગાળ-આસામમાં ફૂલી-ફાલી. શિવાજીના મોટા પુત્ર સંભાજીએ તેના ભાઈને ઊથલાવી ગાદીએ આવવા કવિકલશ નામના તાંત્રિકનો આશરો લીધો અને ગાદી મળતાં તાંત્રિકને મોટું પદ આપેલું. સંભાજીએ શિવયોગી નામના તાંત્રિકની મદદથી કાલીપૂજા કરીને પુત્રપ્રાપ્તિ કરેલી. પૂર્વ પ્રોફેસર અને વિદ્વાન લેખક નગીનદાસ સંઘવીને પચીસેક વર્ષ પહેલાં તેમની લાઈબ્રેરીમાં ‘રફિલેકશન્સ ઓફ તંત્ર’ નામનું પુસ્તક જોયેલું તે સુધાકર ચટ્ટોપાધ્યાયએ લખેલું.
કહે છે કે ‘વેદોનો જન્મ પણ તંત્રવિદ્યામાંથી થયો’ તાત્પર્ય કે વેદો લખાયા તે પહેલાં તંત્રવિદ્યાનું અસ્તિત્વ હોવું જોઈએ. શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય અને ગણપતિ વગેરે દેવતાઓને તંત્રમાં સ્થાન અપાયું છે. ઉત્તર ભારતમાં દેવરાહા બાબા તડકામાં ઘાસનો મંડપ બાંધી ઉપાસના કરતા. ઇન્દિરા ગાંધીને હેલિકોપ્ટરમાં આવીને દેવરાહા બાબાને ચરણે પડતાં જોયાં છે. ઇન્દિરાજી તાંત્રિકો પર શ્રદ્ધા રાખતાં. તાંત્રિકો બીજા અધ્યાત્મવાદીઓની માફક બ્રહ્નચર્યમાં માનતા નથી. તંત્રવિદ્યા તો કહે છે કે જગતમાં પેદા થયેલી તમામ ભોગવી શકાય તેવી ચીજોને ભોગવી લેવી જોઈએ. બધું ભોગવી લીધા પછી જ મનની મુક્તિ કે મોક્ષ મળે છે. છેલ્લા સાડાચાર દાયકાથી સેક્સોલોજીનું ભારતને પ્રથમ ભાન કરાવનારા ડૉ.. પ્રકાશ કોઠારી પણ કહે છે કે તંત્રવિદ્યા એ પ્રાચીન છતાં અવૉચીન વિદ્યા (મોડર્ન) છે. તંત્ર એ મુખ્યત્વે શિવ પર આધાર રાખે છે. તમે કોઈ ચીજને આદર્શ અવસ્થા પર લઈ જાઓ તો શિવ થઈ જાઓ છો. તંત્ર અને યોગ અલગ છે પણ તંત્રને યોગની શાખા ગણાય છે. તંત્ર બધાં જ પાપ અને પુણ્યનાં બંધનોથી મુક્ત છે. મદીરા, મૈથુન, માંસ અને માછલીના આહાર વગેરેની તાંત્રિકોને છુટ છે. મણશિંક ભટ્ટની ભગવદ્ગો મંડળની વાતને ડૉ. કોઠારી બળ આપે છે. તેમાં લખ્યું છે કે તંત્રવિદ્યામાં સ્ત્રી-શક્તિને પ્રાધાન્ય અપાયું છે. તેનો તમારે અવળો અર્થ લેવાનો નથી. તમે તમારા પાર્ટનરને પૂર્ણપણે સરન્ડર (તાબે) થઈ જાઓ તો તમને વિશેષ કમ્ફર્ટ લેવલ મળે છે તેવો શબ્દપ્રયોગ ડૉ. પ્રકાશભાઈ કોઠારી કરે છે.
બ્રિટિશ જમાનામાં પોંડીચેરી ફ્રેંચોના કબજામાં હતું. તેનો ફ્રેંચ ગવર્નર કહેતો કે ‘મોગલ અફસરોની અને તાંત્રિકોની મદદથી શિવાજી પુત્ર મને હેરાન કરે છે.’! મકરંદભાઈએ કહેલું કે તાંત્રિકો તેમની વિધિઓ ગુપ્ત રાખે છે તેથી તંત્રવિદ્યા આપણા માટે રહસ્યમય વિદ્યા બની છે. તાંત્રિકો મંત્રસાધના કરે છે. એ મંત્રોનો ઉચ્ચાર શુદ્ધ હોવો જોઈએ. મહર્ષિ મહેશ યોગી પોતે તંત્રજ્ઞ હતા. તેઓ રજનીશને હરીફ માનતા તેથી કહેતા કે મંત્રદીક્ષા માત્ર બ્રાહ્નણ આપી શકે પણ રજનીશે આ વાતનો નિષેધ કરેલો. થોમસ એશલી ફરાંન્ડ નામનો અંગ્રેજ અમેરિકન મંત્રશક્તિમાં માનતો. તે ૧૯૭૮માં ભારત આવ્યો પછી જ ‘મંત્ર સેકરેડ વર્ડઝ ઓફ પાવર’ નામનું પુસ્તક ૨૦ વર્ષની મંત્રસાધના પછી જ ૧૯૯૮માં લખી શક્યો. સંસ્કૃત પણ ભણેલો. તે કહેતો કે મંત્રજાપ થકી મનની શક્તિ વધારી શકાય છે.

તંત્રવિદ્યા વાસ્તવમાં શું છે?

તંત્ર એ મંત્રશાસ્ત્રની એક પૂરક વિધા છે. મંત્રસાધનામાં જેમ યંત્રનું એક ચોક્કસ સ્થાન છે તેમ તંત્રનું પણ એક ચોક્કસ સ્થાન છે. આને ટૂંકમાં સમજીએ તો મંત્ર એ અક્ષરોના સંયોજનોથી બનતી એક વિશિષ્ટ શબ્દાવલી છે, જેમાંથી નીકળતાં કંપનો વાતાવરણમાં ચોક્કસ પ્રકારનાં આંદોલનો પેદા કરીને પોતાનું કાર્ય બજાવે છે. આ મંત્ર કઈ રીતે ગણવો, તેમાં કઈ-કઈ સામગ્રી વાપરવી, કયા હેતુ માટે કયા સમયે, કયા આસને બેસવું, કેવી માળાઓનો ઉપયોગ કરવો, પવિત્ર ઔષધિઓ અને ખનિજૉનું કેવું અને કેટલું મિશ્રણ કરવું, કઈ સાધના માટે કયું નક્ષત્ર પસંદ કરવું, કેવી-કેવી મુદ્રાઓ કરવી વગેરે બાબતો એ જ તંત્ર છે. હકીકતમાં તંત્રશાસ્ત્ર એ મંત્રશાસ્ત્રનું વૈજ્ઞાનિક અને પારદર્શક પાસું છે. જેમ ઉત્તરકાળમાં જયોતિષવિધા ભળતા જ હાથોમાં જવાથી બદનામ થઈ, તેમ તંત્રવિધા પણ કેટલાક લેભાગુઓના હાથમાં જવાથી અને તેનો ખૂબ જ દુરુપયોગ થવાથી બદનામ થઈ. કેટલાક તાંત્રિકોએ પોતાનો સ્વાર્થ સાધવા તેની ઉપર ગૂઢતાનું આવરણ ચડાવી દઈને તંત્રવિધાને રહસ્યમય બનાવી દીધી. જૉ તેને સાચી રીતે સમજવામાં આવે તો તે વ્યકિતને સાધનામાર્ગમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. આજના આધુનિક યુગમાં પણ તંત્રસાધના થઈ શકે? દરેક યુગમાં તંત્રસાધના થઈ શકે. તંત્ર એ મંત્રશાસ્ત્રની પૂરક વિધા હોવાથી જયારે જયારે મંત્રનું સાધન થઈ શકે ત્યારે ત્યારે તંત્રનું પણ સાધન થઈ શકે. તંત્રશાસ્ત્રના સહયોગ વિના મંત્રસાધના ફળે નહીં એમ કહેવું વધારે ઉચિત રહેશે. આજે પણ આવા સમર્થ તાંત્રિકો હોય છે. જે યુગમાં સમર્થ માંત્રિકો હોય તે યુગમાં સમર્થ તાંત્રિકો પણ હોય જ. પરંતુ સામાન્ય માણસના માનસચક્ષુ સામે તાંત્રિકનું જે ચિત્ર છે તેવા કોઈ તાંત્રિકો કયારેય હોતા નથી. તંત્રશાસ્ત્રની સાધના કોણ કરી શકે? સામાન્ય રીતે નિર્ભય, પરોપકારી, નિ:સ્વાર્થી, કર્તવ્યનિષ્ઠ, સત્યનો પક્ષપાતી, પ્રાથમિક યોગવિધાનો જાણકાર, તપસ્વી, શ્રદ્ધાળુ, ઇષ્ટદેવમાં અડગ શ્રદ્ધા ધરાવનાર અને સૌથી વધુ તો મંત્રદાતા ગુરુની ક્રુપા પામેલ વ્યકિત તંત્રસાધના કરી શકે. મંત્રની પ્રાચીનતા જેટલી જ તંત્રની પ્રાચીનતા છે. મંત્રમનીષીઓનું કથન છે કે, કોઈ અક્ષર મંત્ર વિનાનો નથી. એમાં ઉમેરો કરીને કહી શકાય કે કોઈ મંત્ર તંત્ર વિનાનો નથી! શરીરની સાથે જ શરીરનાં સમગ્ર અંગોનો જન્મ થાય છે, તેમ મંત્રની સાથે જ તંત્રનો જન્મ થાય છે. આથી મંત્રવિધાની જેમ તંત્રવિધા પણ હજારો વર્ષ જૂની છે.

હસ્તાક્ષર દ્વારા કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે સચોટ જાણકારી મેળવી શકાય છે. હસ્તાક્ષર શાસ્ત્ર‘અંગશાસ્ત્ર’નો મહત્ત્વનો વિભાગ છે. એવું કહેવાય છે કે જેની ‘સહી’ બગડી એનો ‘દિન’ બગડયો. હકારાત્મક સિગ્નેચર સ્વર્ગસમું સુખ આપે છે અને નકારાત્મક સિગ્નેચર નરકનો અનુભવ કરાવે છે. પ્રમાણસર – પરિપક્વ સિગ્નેચર જીવનને સમતોલ બનાવે છે અને આશયયુક્ત/નકારાત્મક સિગ્નેચર જીવનમાં અનેક સંઘર્ષ કરાવે છે. બૃહદ જ્યોતિષશાસ્ત્ર – ભૃગુસંહિતામાં પણ અંગશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ જણાવ્યું છે. મનુષ્ય જીવન કર્મ ઉપર આધારિત છે. શુભ કર્મ સુખી બનાવે,અનિષ્ટ કર્મ દુઃખી દુઃખી કરી નાંખે. આપણે ‘કર્મ’ હાથથી કરીએ છીએ ને હાથ દ્વારા ‘સહી’ પણ કરીએ છીએ. હાથમાંની પ્રથમ આંગળી જે ગુરુની આંગળી ગણાય છે અને અંગૂઠો જે ‘શુક્ર’નું આધિપત્ય બતાવે છે. એ બંનેના સમન્વય અને મગજમાંથી આવતાં તરંગો દ્વારા આપણે ‘સહી’કરીએ છીએ. ગુરુ શુભ ગ્રહોનો આચાર્ય છે અને શુક્ર પાપ ગ્રહોનો આચાર્ય છે. હાથ સ્વૈચ્છિક સ્નાયુ છે. જ્યારે અનૈચ્છિક મગજ આપણા કહેવા પ્રમાણે કામ કરતું નથી. પરંતુ હાથ આપણી મરજીથી ઉપર નીચે કરી શકાય છે. આમ સ્વૈચ્છિક અને અનૈચ્છિક સ્નાયુઓના સમન્વયથી શુભ-અશુભ એટલે કે સારાં અને નરસાં તત્ત્વો આપણાં શરીરમાં છે. એ ગુરુ-શુક્રના સમન્વયથી આપણા ‘હસ્તાક્ષર’માં દૃશ્યમાન થાય છે જેનો અભ્યાસ નિઃશંક સચોટ ભાવિકથન કરી શકે છે. 
કોઈ પણ વ્યક્તિ પોતાની ‘સિગ્નેચર’ ત્રણ વાર કરે તો એમાં પણ ફરક જોવામાં આવે છે. દુનિયાભરની બેંકોમાં ‘સહી’ એ જ ખાતેદારની ઓળખ તરીકે મુખ્ય ગણવામાં આવે છે. ચેક ઉપર ખોટી સહી કરો તો ખુદ ખાતેદાર પણ પૈસા ના મેળવી શકે. હસ્તાક્ષર (સહી) વ્યાપક પ્રમાણમાં પ્રબળ છે. રાષ્ટ્રપતિની સહી કાયદો બની જાય છે. સહી દ્વારા જ કોઈને પ્રમોશન લેટર મળે છે અને રૂખસદ પણ. સહીનો સહી ઉપયોગ જે નથી કરતો એ મુશ્કેલીઓનો સામનો કરે છે અને બધાં હોવા છતાં ‘એકલતા’ અનુભવે છે. હસ્તાક્ષર શાસ્ત્રને ‘અક્ષરગણિત’ કહેવાય છે. હસ્તાક્ષરની શરૂઆત જિંદગીની શરૂઆત છે. હસ્તાક્ષરનો અંત જીવનનો અંત છે. શરૂઆત અને અંતની વચ્ચે આપણે સહી કરીએ, જે લખીએ છીએ એ આપણું વર્તમાન જીવન છે. એમાં કોપી ન થઈ જાય એ ભયથી ઘણાં બધાં સિગ્નેચરને આડીઅવળી રીતે લખીને નકારાત્મક બનાવે છે. 
સહીમાં લખાયેલા મૂળાક્ષરો કોઈ ને કોઈ ગ્રહ જ છે. મૂળાક્ષર કપાય ત્યાં અનિષ્ટ દોષ થાય છે. જે શાપિત દોષ,અંગારક દોષ, ગ્રહણ દોષ, ચાંડાળ દોષ, કાળસર્પ દોષ, પિતૃદોષ હોઈ શકે છે. હસ્તાક્ષરની ગુણવત્તાથી જ રાજત્વ અને દાસત્વ આવે છે. જો હસ્તાક્ષરને પદ્ધતિસર કરવામાં આવે તો વ્યક્તિને અંતરાય, વિલંબ, સંકટો અને પરિતાપમાંથી બચાવી શકાય છે અને જૂના રોગીને પણ રોગમુક્ત કરી શકાય છે. હસ્તાક્ષર અભ્યાસનું સચોટ માર્ગદર્શન જો વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ આપવામાં આવે તો ભવિષ્ય સુધારી શકાય છે. હસ્તાક્ષરનો અભ્યાસ અક્ષરસ્પંદન ગ્રહોની ચરમસીમાએ થનારી અસર હસ્તાક્ષરનું ચુંબકક્ષેત્ર, દબાણ, આરોહ-અવરોહ અને હકારાત્મક કે નકારાત્મક પ્રકાર તમામ પર આધારિત છે. હસ્તાક્ષરમાં ગમે ત્યાં ટપકાં કરવાં કે એને વગર વિચારે કાપવાથી નુકસાન – જવાબદારીમાં વધારો થાય છે. હસ્તાક્ષર કરનાર વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ ગણાય. માનસિક રીતે વિકલાંગ વ્યક્તિની સહી અસ્તવ્યસ્ત હોય છે. અસ્તવ્યસ્ત સહી પરાધિન બનાવે છે. સ્વસ્થ સહી રાજા સમાન સુખ આપે છે રાજા બનવું કે રંક બનવું એ વિચારવું રહ્યું. જેમાં હાથ દ્વારા જે હસ્તાક્ષર કરીએ છીએ એ આપણાં આયોજનો વિચારોની છબી પૂરી પાડે છે.
હસ્તાક્ષર વિદ્યા એ વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખવા, સમજવા અને મૂલ્યાંકન કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં હસ્તાક્ષર કે લેખનનાં સ્ટ્રોક તથા ઝુકાવ નો અભ્યાસ કરવામાં આવે છે. આધુનિક સિસ્ટમ્સમાં હસ્તાક્ષરની મીમાંસા મનોવિજ્ઞાનીક તૌર પર કરીને શીખવવામાં આવે, જે વાસ્તવમાં વ્યક્તિની પ્રકૃતિ સાથે સુસંગત થાય છે. અને વિશ્લેષકો પણ ગુણવત્તાવાળું મનોવૈજ્ઞાનિકો અધ્યયન કરે છે. બધા શિક્ષિત લોકો પોતપોતાની મોક અપ સ્ટાઈલથી અલગ અલગ લખતા હોય છે. દરેક વ્યક્તિનું લખવાનું સ્વરૂપ, ફોર્મ તથા અક્ષરો ભેગા મળીને એક વિશિષ્ટ લેખિત પેરેડાઈમ બનાવે છે જે અજોડ હોય છે. અત્યાર સુધીમાં જુદા જુદા ૧૦૦ પ્રકારના પેરેડાઈમ સંયોજનો શોધી શકાયા છે, જેના અભ્યાસ પરથી વ્યક્તિગત લક્ષણોને સીમિત માત્રામાં જાણી શકીએ છીએ. હસ્તલખાણ ઘણી વખત “બ્રેઈન લેખન” તરીકે ઓળખાય છે. હસ્તલખાણ એ માનવીના ‘વ્યક્તિત્વ અને સ્વભાવ’ સંબંધિત ઘણા રહસ્યો જાહેર કરે છે, જે તેના અર્ધજાગ્રત મનની ઝાંખી, સંવેદનાત્મક પ્રતિભાવ, બુદ્ધિ અને શક્તિ, ભય અને સંરક્ષણ, પ્રોત્સાહન અને કલ્પના, પ્રામાણિકતા અને યોગ્યતા, રુચિ-અભિરુચિ, ક્ષમતા જેવી અનેક અભિવૃત્તિ આવરી લે છે. વૈજ્ઞાનિકોએ ન્યુરો-સાયન્સ (જ્ઞાનતંતુસબંધી વિજ્ઞાન) ના ક્ષેત્રમાં મનો-સ્નાયુબદ્ધ વલણને વર્ગીકૃત કરીને તારવ્યુ છે કે તમામ લખાણ જે તે વ્યક્તિના ચોક્કસ અવલોકનક્ષમ લક્ષણો સાથે સંકળાયેલ હોય છે. દરેક વ્યક્તિત્વનું પાસું એ એક ન્યુરોલોજીકલ માઇન્ડ-પેટર્ન દ્વારા રજૂ થાય છે. જ્યારે લેખન થાય છે ત્યારે મગજની ન્યુરોલોજીકલ પેટર્ન એક અનન્ય ન્યુરો-મસ્કયુલર કમાન્ડ (સ્નાયુબદ્ધ-જ્ઞાનતંતુ અથવા તત્સંબંધી સંદેશ) પેદા કરે છે અને તે દરેક વ્યક્તિનાં વ્યક્તિત્વનું આંતરિક પાસું કે લક્ષણ ઉજાગર કરે છે. આ નાની હિલચાલ અભાનપણે થાય છે. દરેક લેખિત આરોહ-અવરોહ અથવા સ્ટ્રોક ચોક્કસ વ્યક્તિત્વ લક્ષણ પ્રગટ કરે છે. હસ્તાક્ષર વિદ્યામાં હસ્તલખાણની કસોટી દ્વારા લાંબા ફકરા કે નાના અક્ષરો-વાક્યોનું પણ જરૂરિયાત મુજબ વિશ્લેષણ થાય છે. હસ્તલખાણમાં વિવિધ વિશ્લેષણાત્મક તકનીકો અને લોજિકલ નિરીક્ષણો દ્વારા માનવીની ટેવો તેમજ પસંદગીઓ અને અણગમાઓ આધારિત સચોટ માહિતી જાણી શકાય છે. હસ્તલખાણનું વિશ્લેષણ ઘણી રીતે લાભ કરે છે, જેમ કે ગુનાવિજ્ઞાન, શિક્ષણ, રોજગાર જેવા ક્ષેત્રોમાં વ્યાવસાયિકો દ્વારા વિશેષ જાણકારી મેળવવા તેને ઉપયોગમાં લેવાય છે. આ વિદ્યાનાં પરામર્શથી લોકોમાં સ્વ વિશેની સારી સમજણ, સ્વસ્થતા અને સજાગતા કેળવાય છે અને વ્યવહારમાં પારદર્શિતા પ્રકટે છે; વળી અંતર્નિહિત પ્રતિભા પણ વિકસે છે અને તેને કારણે સોનેરી ભવિષ્યનું પૂર્વ-આયોજન થઇ શકે છે.