ભવિષ્ય વિજ્ઞાન

Posts tagged ‘જયોતિષ શાસ્ત્ર’

જયોતિષ શાસ્ત્ર

જયોતિષશાસ્ત્ર એ તમારા જીવનને લગતી ઘટનાઓ જાણવા માટેનું એક વિશિષ્ટ સાધન છે. જીવનના ગૂઢ રહસ્યોની થીમ્સ અને વ્યક્તિગત ભવિષ્ય જાણવા માટે આ વિદ્યાનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. જ્યોતિષવિદ્યાના મૂળ પૌરાણિક સંદર્ભ તથા સાંકેતિક ભાષાઓ પર રચાયેલ છે. ગ્રહોનાં ચિહ્નો, આકાશમંડળ અને અવકાશી પદાર્થોનાં વિવિધ પ્રતીકો દ્વારા જ્યોતિષનું એકસપ્લોરિંગ કરી શકાય છે. જ્યોતિષને વરદાન તરીકે માનવામાં આવે છે. જીવન એ સતત પરિવર્તનશીલ ક્રિયા છે અને તમારા જન્મનાં ગ્રહોની સ્થિતિ એ સમસ્ત જીવનના વિકાસચક્રનું આલેખન કરે છે. ઘણા લોકોને ભવિષ્ય જાણવામાં ઊંડો રસ હોય છે. મૂળભૂત રીતે જ્યોતિષની રચના એટલા માટે કરવામાં આવી છે કે તેના દ્વારા વ્યક્તિ તેની જિંદગીનો સમય અને સમસ્યાઓ જાણી અંતરાય મુક્ત જીવન જીવી શકે છે. જ્યોતિષ આપણને દુરન્દેશીતા કેળવવાનું શીખવે છે, વળી ભવિષ્યમાં કેટલા રસપ્રદ અને મહત્વનાં વળાંકો આવતા જશે તેનું પણ વર્ણન કરે છે. આપ પણ ગ્રહ ગણનાનાં કેટલાક નિયમોનો અભ્યાસ કરી ચોક્કસપણે ભવિષ્યની આગાહી કરી શકો છો. જ્યોતિષવિદ્યાની વાસ્તવિક ઉપયોગીતા એ છે કે જે તમને પોતાના વિશે વિચારતા કરે, તમારા જીવનનો અભિગમ સકારાત્મક રીતે બદલે, તમારી રૂચી અને પ્રકૃતિ અનુસાર આંતરિક શક્તિઓને ઉજાગર કરે. તે ઉપરાંત વિકટ સમસ્યાઓને હળવી કરવામાં કે ઉકેલવામાં પણ મદદ કરી શકે છે. મુખ્ય સમજવાની બાબત એ છે કે જ્યોતિષશાસ્ત્ર કર્મયોગનાં સિદ્ધાંતનું સર્વાંગી સમર્થન કરે છે.
તમારા ભવિષ્યની ઘટનાઓનો ચિતાર આપવાની સાથે સાથે સાવચેતી, આત્મવિશ્વાસ, અગમચેતી તથા આશારૂપી પ્રેરણા આપનાર દુનિયાનું આ પહેલું વિજ્ઞાન છે, કે જેમાં ગ્રહોની સ્થિતિ અને ગતિને મનુષ્યોનાં જીવનપથ સાથે સાંકળવામાં આવે છે. તેનો સંદેશો એવો છે કે જીવનમાં કોઈપણ કામ કરો, તેને પૂરા સમર્પણ, સચ્ચાઈ સાથે સમયની યોગ્ય પરખ કર્યા બાદ કરો. આ સૂત્ર જીવનનાં દરેક તબક્કે જો અજમાવામાં આવે તો સફળતા અને કાર્યસિદ્ધિ અવશ્ય પ્રાપ્ત શક્ય છે. જો કે જ્યોતિષ કે અન્ય વિદ્યાઓ, પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ કે ઉપાસના વગેરેને આસ્થા અને શ્રદ્ધાના સિમિત સર્કલથી કાઢીને વિજ્ઞાનની દ્રષ્ટિથી નીરખજો. માત્ર શ્રદ્ધા-વિશ્વાસના સહારે કોઈ માન્યતા ક્યારેય ન સ્વીકારવી (અમે કહીએ તો પણ નહિ). ફળકથન પર અતૂટ ભરોસો કરી લેવો તે આજના બુદ્ધિપ્રધાન અને તાર્કિક સમાજ માટે હિતાવહ નથી. તમારી કસોટી ની એરણ ઉપર ખરું ઉતરે તે જ યોગ્ય ગણવું. જો આવી વૃત્તિ કેળવાય તો જ શાસ્ત્રની ગરિમા સચવાય અને લોકવિશ્વાસ જળવાય. આપણા પ્રાચીન વારસામાં જીવન જીવવાની કળાઓને અઢળક ખજાનો છે જેને આજના યુગને અનુકૂળ બનાવી રજૂ કરવામાં આવે તેવી ખાસ જરૂર છે, વળી આજના યુવાનો પણ આ સમૃદ્ધ વારસાને પોતાના જીવનમાં ઊતારે તે પણ એટલુ જ જરૂરી છે. આજના વયસ્કો અને વડીલો પણ તેમના અનુજોને આ માટેનું મોકળું વાતાવરણ પૂરું પાડે તો ખરેખર આ ક્ષેત્રે નવી ક્ષિતિજોનું વિસ્તરણ થાય.